આપનું સ્વાગત છે...

સોમવાર, 20 જૂન, 2011

જ્યારે જ્યારે તું હની ખિજાય છે...

જ્યારે જ્યારે તું હની ખિજાય છે
ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે

સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું
ગુજરાતીમાં આવજો કહેવાય છે

લાગણી લીટરના જેવી છે રબીશ,
ડસ્ટબીનમાં તે હવે ફેંકાય છે

તું મને પાલવનું ઇન્ગ્લીશ પૂછ નહિ
અહિંયા આંસુ ટીશ્યુથી લુછાય છે


મોનિકા જેવી જ ભાષા છે ‘અદમ’
સહેજ અડીએ ને ભવાડા થાય છે

-અદમ ટંકારવી

ધીર ને ગંભીર થાતાં જાય છે...

ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !

જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !

સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !

લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !

શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !

- દિનેશ કાનાણી

તારા નજીક આવતા પગલા હું સાંભળું...

તારા નજીક આવતા પગલા હું સાંભળું
નાચી રહેલ મોરના ટહુંકા હું સાંભળું

એકેક શબ્દ શબ્દ મને યાદ આવશે
ખામોશ ઘ્યાનથી તને કહેતા હું સાંભળું

ગીતો મળીને પ્રેમ્ સભર એમ ગાઈએં
અડધા તું સાંભળે, પછી અડધા હું સાંભળું

એ પ્રેમની કહાની કહે આપણી બધા
જેને તું હસતાં સાંભળે, રડતા હું સાંભળું

ડુસ્કા ભરી ભરી અને થાકી ગયો છતાં
ભીતરમાં તારી યાદના પડઘા હું સાંભળું

ઊભો છે એમ આઈના સામે અને ‘રસિક’
તૂટી ગયેલ કાચના કટકા હું સાંભળું

-‘રસિક’ મેઘણી

વારતાનાં અંતમાં..

એક માણસ હારવાનો, વારતાનાં અંતમાં,
હું દિલાસો આપવાનો, વારતાનાં અંતમાં.

સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,
હું, પુરાવો માગવાનો વારતાનાં અંતમાં.

પાનખરની કેટલી થઈ છે અસર, એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાનાં અંતમાં.

હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં.

કોણ મારા શ્વાસનો હકદાર છે, એ જાણાવા,
રાત આખી જાગવાનો, વારતાનાં અંતમાં.

જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.

- દિનેશ કાનાણી ‘પાગલ’

આ આપણી વચ્ચે ઊઘડતું બારણું...

આ આપણી વચ્ચે ઊઘડતું બારણું,
કાં લાગતું ગઈ કાલનું સંભારણું ?

ઇ-મેલ બ્લેંક મોકલું છું હું તને,
વાંચી શકે તો વાંચ ખાલી પણું !

લે આંખ મીંચી મૌન હું ઊભો રહ્યો,
છે ક્યાં હવે મારાપણું- તારાપણું ?

આકાશમાં થીજી ગયો છે સૂર્ય પણ,
ને જાત જાણે ઓલવાતું તાપણું.

આ શ્વાસ છે , તે શ્વાસની ચાદર વણું,
હોવું, ન હોવું ક્યાં કશું છે આપણું?

- હર્ષ બ્રહ્મભટ્ટ

વાપરો કળ ને બનાવો મને...

વાપરો કળ ને બનાવો મને !
લાશ છું હું, બસ તરાવો મને!

એમ બનતી હોય જો આ ગઝલ,
લો કલમ- કાગળ, લખાવો મને !

સત્ય કહેવું જો ગુનો હોય તો,
લો શુળીએ પણ ચઢાવો મને.

જિંદગીએ બહુ રડાવ્યો મને,
હું ભૂલ્યો હસવું, હસાવો મને.

સાદગીમાં જિંદગી થઇ પુરી,
ના હવે દોસ્તો સજાવો મને.

- રાકેશ ઠક્કર

નથી ઘૂંઘટ કે લાગે શરમાળું...

નથી ઘૂંઘટ કે લાગે શરમાળું
તોય મારું આભલું કેટલું રુપાળું

નથી ફૂલડું કે રેશમ રુપાળું
તોય નભ નમણું લાગે નીરાળું

ના મુગટ કુંડલ ખન ઝાંઝરું
તોય રાધાના કાન જેવું સાંવરું

ઉડે પંખી ભરતા મસ્તી આભલે
મેઘ ધરે સાત ધનુષ કોટડે

ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી
વ્યોમ હાટડે વેચતા આનંદજી

સજે ગગનને રવિ સોહામણું
માણું પાવન દર્શન તને ઢૂંકડું

ઝૂમે તરુ ગાય પંખીડાં ગીતજી
પામી દર્શન લાગું પાય નાથજી

- રમેશ પટેલ(આકાશદીપ)

શુક્રવાર, 17 જૂન, 2011

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે...

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

- ‘ઘાયલ’

જ્યાંજ્યાં નજર મારી પડે...

જ્યાંજ્યાં નજર મારી પડે, ત્યાંત્યાં મચ્છર કરડ્યો છે આપને,
ક્યારેક ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને.

જાણું છું પોંહચી નથી શક્તા સમયસર ક્યાંય શહેરમાં
જ્યાંત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો છે આપને.

રિક્શા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડ
ખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને.

મૉલ મલ્ટિપ્લેક્ષ, મોટેલ હોટેલ, ફાઈવસ્ટાર બાર સાથોસાથ
ગંદકી, ગર્દી, ઘોંગાટ, ધૂમડા સાથે પનરો પડ્યો છે આપને.

બે ત્રણ રૂમના ફ્લેટના ચક્કરમાં વહી જશે આખી જીંદગી
રશ્મિ, જનમથી મરણ સુધીનો જ સમય મળ્યો છે આપને.

- ડૉ. રશ્મિકાન્ત શાહ

ચ્યાંથી લાવશો..?

ઝાંઝવોં હેંચીને ઉછેરેલાં ઉપવનમાં
હાચી લીલાશ્યો ચ્યાંથી લાવશો?

ભમરાં તો ત્હોય જોણે ભાડૂતી ઓણોપણ
ઝોકળી ભેનાશ્યો ચ્યાંથી લાવશો?

અત્તર છોંટીને ફૂલે મ્હેલી મ્હેંક્યો,
ઓલ્યાં ઓંબે મેઠાશ્યો ચ્યાંથી લાવશો?

ભોંઠો પડશે હઉ ફૂદ્દો-પારેવો ને
ગાળ્યો દેશે વટે-મારગું..

પેહશે તડ્કેથી કો’ક ખાવા વેહામો તૈ
લેંમડઈ હળવાશ્યો ચ્યાંથી લાવશો?

ઝાંઝવોં હેંચીને ઉછેરે્લાં ઉપવનમાં
હાચી લીલાશ્યો ચ્યાંથી લાવશો?

-ગુરુદત્ત ઠક્કર