આપનું સ્વાગત છે...

ગુરુવાર, 2 જૂન, 2011

પણ એવું ……. ક્યાં મળે?

આ ઘર,આ ઑફિસ,આ ગાડી, ક્યારેક તો કંઈક બદલાવ મળે.
મારે તો જવું હતું ચાંદની પેલે પાર, પણ એવું વિમાન ક્યાં મળે?

આ કોયલ,આ બગીચો,આ વાડી,ક્યારેક તો નવું મધુવન મળે,
મારે તો માણવી હતી સુગંધ આરપાર, પણ એવું સુમન ક્યાં મળે?

આ ઉલફત,આ નફરત,કાયમ મને નડી, ક્યારેક તો કંઈક સદભાવ મળે,
તેને બધું સોંપીને થઈ જઉં નિર્વિકાર, પણ એવો ‘ભગવાન’ ક્યાં મળે?

આ રાહ,આ દિશા,આ મંજિલે કાયમ જતી,ક્યારેક તો નવો કાફલો મળે,
મારે તો ઉડવું છે-આકાશ છે પારાવાર, પણ એવી પાંખ ક્યાં મળે?

લોલુપ નજરે જોતી,સૌંદર્યને અવગણતી, ક્યારેક તો જુદો ભાવ મળે,
વસી જવા ચાહું શમણું બની અંદર, પણ એવાં નયન ક્યાં મળે?

આ છળ,આ માયા,આ ઈર્ષા જીવને જડી, ક્યારેક તો કંઈક અલગાવ મળે,
કરું અર્પણ મન;કરું પૂજા જીવનભર, પણ એવો ઈન્સાન ક્યાં મળે?

આ મન,આ હૈયું,આ જ દિલ,ક્યારેક તો મને જ મારું જીવન મળે,
કદાચ કરી દેતી તારે નામ ‘શમા’, પણ એવી ધડકન ક્યાં મળે?

દીપ્તિ પટેલ ‘શમા’,

0 comments: