આપનું સ્વાગત છે...

સોમવાર, 20 જૂન, 2011

જ્યારે જ્યારે તું હની ખિજાય છે...

જ્યારે જ્યારે તું હની ખિજાય છે
ત્યારે ગ્લોબલ વોર્મિંગ થઈ જાય છે

સાવ નિર્મમ ના કહીશ ગુડબાય તું
ગુજરાતીમાં આવજો કહેવાય છે

લાગણી લીટરના જેવી છે રબીશ,
ડસ્ટબીનમાં તે હવે ફેંકાય છે

તું મને પાલવનું ઇન્ગ્લીશ પૂછ નહિ
અહિંયા આંસુ ટીશ્યુથી લુછાય છે


મોનિકા જેવી જ ભાષા છે ‘અદમ’
સહેજ અડીએ ને ભવાડા થાય છે

-અદમ ટંકારવી

ધીર ને ગંભીર થાતાં જાય છે...

ધીર ને ગંભીર થાતાં જાય છે
એ નદીના નીર થાતાં જાય છે !

જિંદગીને જીવવાની હોંશમં
દ્રૌપદીના ચીર થાતાં જાય છે !

સંગ જેનો ખૂબ ગમતો હોય છે
એ બધાં તસવીર થાતાં જાય છે !

લાગણી ને પ્રેમના સંબંધ પણ
સાંકડી જંજીર થાતાં જાય છે !

શબ્દને હું ચાહતો રહું તે છતાં
શબ્દ પોતે તીર થાતાં જાય છે !

- દિનેશ કાનાણી

તારા નજીક આવતા પગલા હું સાંભળું...

તારા નજીક આવતા પગલા હું સાંભળું
નાચી રહેલ મોરના ટહુંકા હું સાંભળું

એકેક શબ્દ શબ્દ મને યાદ આવશે
ખામોશ ઘ્યાનથી તને કહેતા હું સાંભળું

ગીતો મળીને પ્રેમ્ સભર એમ ગાઈએં
અડધા તું સાંભળે, પછી અડધા હું સાંભળું

એ પ્રેમની કહાની કહે આપણી બધા
જેને તું હસતાં સાંભળે, રડતા હું સાંભળું

ડુસ્કા ભરી ભરી અને થાકી ગયો છતાં
ભીતરમાં તારી યાદના પડઘા હું સાંભળું

ઊભો છે એમ આઈના સામે અને ‘રસિક’
તૂટી ગયેલ કાચના કટકા હું સાંભળું

-‘રસિક’ મેઘણી

વારતાનાં અંતમાં..

એક માણસ હારવાનો, વારતાનાં અંતમાં,
હું દિલાસો આપવાનો, વારતાનાં અંતમાં.

સોળ આના સાવ સાચી વાત લઈને આવજો,
હું, પુરાવો માગવાનો વારતાનાં અંતમાં.

પાનખરની કેટલી થઈ છે અસર, એ શોધવા,
ડાળ લીલી કાપવાનો વારતાનાં અંતમાં.

હું તમારી જીતનો હિમાયતી છું એટલે,
સાથ કાયમ આપવાનો, વારતાના અંતમાં.

કોણ મારા શ્વાસનો હકદાર છે, એ જાણાવા,
રાત આખી જાગવાનો, વારતાનાં અંતમાં.

જિંદગીભર આપતાં આવ્યાં છો જાકારો ભલે,
હું તમારો લાગવાનો, વારતાના અંતમાં.

- દિનેશ કાનાણી ‘પાગલ’

આ આપણી વચ્ચે ઊઘડતું બારણું...

આ આપણી વચ્ચે ઊઘડતું બારણું,
કાં લાગતું ગઈ કાલનું સંભારણું ?

ઇ-મેલ બ્લેંક મોકલું છું હું તને,
વાંચી શકે તો વાંચ ખાલી પણું !

લે આંખ મીંચી મૌન હું ઊભો રહ્યો,
છે ક્યાં હવે મારાપણું- તારાપણું ?

આકાશમાં થીજી ગયો છે સૂર્ય પણ,
ને જાત જાણે ઓલવાતું તાપણું.

આ શ્વાસ છે , તે શ્વાસની ચાદર વણું,
હોવું, ન હોવું ક્યાં કશું છે આપણું?

- હર્ષ બ્રહ્મભટ્ટ

વાપરો કળ ને બનાવો મને...

વાપરો કળ ને બનાવો મને !
લાશ છું હું, બસ તરાવો મને!

એમ બનતી હોય જો આ ગઝલ,
લો કલમ- કાગળ, લખાવો મને !

સત્ય કહેવું જો ગુનો હોય તો,
લો શુળીએ પણ ચઢાવો મને.

જિંદગીએ બહુ રડાવ્યો મને,
હું ભૂલ્યો હસવું, હસાવો મને.

સાદગીમાં જિંદગી થઇ પુરી,
ના હવે દોસ્તો સજાવો મને.

- રાકેશ ઠક્કર

નથી ઘૂંઘટ કે લાગે શરમાળું...

નથી ઘૂંઘટ કે લાગે શરમાળું
તોય મારું આભલું કેટલું રુપાળું

નથી ફૂલડું કે રેશમ રુપાળું
તોય નભ નમણું લાગે નીરાળું

ના મુગટ કુંડલ ખન ઝાંઝરું
તોય રાધાના કાન જેવું સાંવરું

ઉડે પંખી ભરતા મસ્તી આભલે
મેઘ ધરે સાત ધનુષ કોટડે

ઢળે સંધ્યા કે ખીલતું પ્રભાતજી
વ્યોમ હાટડે વેચતા આનંદજી

સજે ગગનને રવિ સોહામણું
માણું પાવન દર્શન તને ઢૂંકડું

ઝૂમે તરુ ગાય પંખીડાં ગીતજી
પામી દર્શન લાગું પાય નાથજી

- રમેશ પટેલ(આકાશદીપ)

શુક્રવાર, 17 જૂન, 2011

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે...

પ્રણયમા જવાની નિચોવાઇ જાશે
હવે હસતાં હસતાં ય રોવાઇ જાશે.

ન રહેશે હવે હાથ હૈયું ન રહેશે,
એ મોતી નથી કે પરોવાઇ જાશે.

નયન સાથ રમવા ન એને જવાદો
હ્રદય સાવ બાળક છે ખોવાઇ જાશે.

મરણને કહો પગ ઉપાડે ઝડપથી,
નહીં તો હવે શ્વાસ ઠોવાઇ જાશે.

સિધાવો, ન ચિંતા કરો આપ એની !
કાંઇ કામમાં મન પરોવાઇ જાશે.

કદી દાનની વાત ઉચ્ચારશો મા
કર્યું કારવ્યું નહી તો ધોવાઇ જાશે.

નિહાળ્યા કરો જે કંઇ થાય છે તે
વિચારો નહિં, મન વલોવાઇ જાશે.

વગોવે ભલે મિત્રો ‘ઘાયલ’ વગોવે !
હતું નામ શું કે વગોવાઇ જાશે ?

- ‘ઘાયલ’

જ્યાંજ્યાં નજર મારી પડે...

જ્યાંજ્યાં નજર મારી પડે, ત્યાંત્યાં મચ્છર કરડ્યો છે આપને,
ક્યારેક ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને.

જાણું છું પોંહચી નથી શક્તા સમયસર ક્યાંય શહેરમાં
જ્યાંત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો છે આપને.

રિક્શા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડ
ખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને.

મૉલ મલ્ટિપ્લેક્ષ, મોટેલ હોટેલ, ફાઈવસ્ટાર બાર સાથોસાથ
ગંદકી, ગર્દી, ઘોંગાટ, ધૂમડા સાથે પનરો પડ્યો છે આપને.

બે ત્રણ રૂમના ફ્લેટના ચક્કરમાં વહી જશે આખી જીંદગી
રશ્મિ, જનમથી મરણ સુધીનો જ સમય મળ્યો છે આપને.

- ડૉ. રશ્મિકાન્ત શાહ

ચ્યાંથી લાવશો..?

ઝાંઝવોં હેંચીને ઉછેરેલાં ઉપવનમાં
હાચી લીલાશ્યો ચ્યાંથી લાવશો?

ભમરાં તો ત્હોય જોણે ભાડૂતી ઓણોપણ
ઝોકળી ભેનાશ્યો ચ્યાંથી લાવશો?

અત્તર છોંટીને ફૂલે મ્હેલી મ્હેંક્યો,
ઓલ્યાં ઓંબે મેઠાશ્યો ચ્યાંથી લાવશો?

ભોંઠો પડશે હઉ ફૂદ્દો-પારેવો ને
ગાળ્યો દેશે વટે-મારગું..

પેહશે તડ્કેથી કો’ક ખાવા વેહામો તૈ
લેંમડઈ હળવાશ્યો ચ્યાંથી લાવશો?

ઝાંઝવોં હેંચીને ઉછેરે્લાં ઉપવનમાં
હાચી લીલાશ્યો ચ્યાંથી લાવશો?

-ગુરુદત્ત ઠક્કર

"ફૂલ" જેવું હતું આં કોમળ "દિલ" ...

"ફૂલ" જેવું હતું આં કોમળ "દિલ" ...
હવે "પથ્થર" બની ગયું છે "ઠોકર" ખાઈને ...
પણ "સાથી" ને ક્યાં ચિતા છે ....

"ટોળા" વચે ઉભો છું "એકલો"...
હવે "શરીર" થઇ ગયું છે "આત્મા" વિનાનું ...
પણ "સાથી" ને ક્યાં ચિતા છે ....

"ડૂબી" ગયો છું લાગણી ના "દરિયામાં"...
હવે "તરું" છું સપાટી પર "લાશ" બનીને...
પણ "સાથી" ને ક્યાં ચિતા છે ....

"યાદ" માં તારી હું ભૂલી ગયો છું "ખુદને"...
હવે "આશુ" આવે છે આંખ માં "લોહી" બનીને...
પણ "સાથી" ને ક્યાં ચિતા છે ....

"રડી" રહ્યા છે લોકો મારી બાજુમાં "બેસીને"...
હવે "મૃત્યુ" થઇ ગયું છે મારું "સાથી" બનીને...
પણ "સાથી" ને ક્યાં ચિતા છે ....


-કમલેશ મકવાણા "સાથી"

દરરોજ અડધા કલાકની વાતમાં..

દરરોજ અડધા કલાકની,
વાતમાં દોસ્તી વધી ગઇ,

દોસ્ત તારી યાદમાં હવે તો,
લાગે કે રાત પણ વધી ગઇ.

હવે તો નાની ખુશી પણ લાગે છે મોટી,
આ પ્રેમ છે કે મારી આશ વધી ગઇ.

જ્યારે સમય આવ્યો છૂટા પડવાનો ત્યારે,
ભાન થઇ કે દોસ્તીની હદ વધી ગઇ.

ત્રણ-ત્રણ મહિનાની જુદાઇથી,
તારા મિલનની તડપ વધી ગઇ.

બદલાઇ છે દોસ્તી પ્રેમમાં?
કે પછી દોસ્તીની વ્યાખ્યા વધી ગઇ.

લાગે છે ‘કાનુડા’ હવે તો,
તારી અહેમિયત ખુદાથી પણ વધી ગઇ.

-જહાનવી પટેલ

તમારું નોખું હું ધ્યાન રાખું...

તમે બધાથી અલગ છો તેથી તમારું નોખું હું ધ્યાન રાખું.
ગુલાબ લઈને તમે મળો તો મ્હેકની લ્યો દુકાન રાખું.

કશુંક આજે કરી જવું છે, કદાચ કાલે જવાનું થાશે,
તમારા ઘરના દિવાને માટે, હવાને આજે હું બાન રાખું.

ગયું ક્યાં પંખી મૂકીને ટહુકો, હજીય ડાળી ઝુલી રહી છે,
મને થયું કે આ પાનખરમાં, બને તો થોડાં હું પાન રાખું.

તમે અહીંયા સૂરજ સમા છો, જશો ના આઘા, ઠરી જઈશ હું,
મને આ જળથી વરાળ કરજો, હું જેથી બાજુમાં સ્થાન રાખું.

પ્રસંગ મારી દિવાનગીનો, હું રોજ ઉજવું છું ધામધુમથી,
દરેક દર્દોને આવકારી, ગઝલમાં પીડાનું ગાન રાખું.

હું કૈંક યુગોથી છું સફરમાં, અહીં હું કેવળ પડાવ પર છું.
મેં ખોળિયાને કહી દીધું છે, હું તારું ભાડે મકાન રાખું.

- ગૌરાંગ ઠાકર

દીકરો છે મારો ફેશનેબલ...

દીકરો છે મારો ફેશનેબલ ,
પછી ભલેને બાપા છે એના પેન્શનેબળ,

માંગે તે તો મોબાઈલ ને બાઈક,
પછી ભલે ને ના લાવતો રળીને કંઈક,

ફેરવે છે છોકરીઓ ને તેની બાઈક ની પાછળ,
પછી ભલે ને આવી જાય પોતાના જ બાપા બાઈક ની આગળ,

કરે છે અનેક કોલ ને મિસકોલ,
પછી ભલે ને મારી જાય કોઈ મિસ એને ધોલ,

પીવે છે સિગારેટ ને ચાવે છે મસાલા,
પછી ભલે ને નીકળી જાય ઘરના દેવાળા,

વાપરે એ તો પાણી ની જેમ નાણાં,
પછી ભલે ને આવી જાય રિજલ્ટ માં બે શૂન્ય ના પણા,

મિત્રો આગળ મારે એ મોટી મોટી વાતો ના તડકા,
પછી ભલે ને થઇ જાય એની ઝીંદગી માં મોટા મોટા ભડાકા,

આમ તો છે આ દીકરો મારો,
તો શું અભિપ્રાય છે એના વિષે તમારો ?????

- તૃષ્ટિ રાવલ

ગુરુવાર, 16 જૂન, 2011

આ તારું કામ છે...

મોસમનું ખાલી નામ છે. આ તારું કામ છે.
રંગોની સુરાહિમાં સુગંધોના જામ છે

મોસમનું ખાલી નામ છે. આ તારું કામ છે.
રંગોના ઘાવો પર આ સુગંધોના ડામ છે.

વરસે છે વાદળોથી જે એ તારું વ્હાલ છે
નખશિખ ભીંજાય છે જે હૈયાનું ગામ છે

શોધીશ તો યે નહીં મળે નકશામાં એ તને
નકશાની બહારનું છે, એ સપનાનું ગામ છે

હેમંતને વસંતને વર્ષાની વાત ક્યાં
તારાં જ છે સ્વરૂપ ને તારો દમામ છે

આને જ તે કહેતાં હશે દિવાનગી બધાં
કોઇ પૂછે ને કહી ન શકું : વાત આમ છે…

માઝા મૂકીને દોડતો દરિયો ય આવશે
રેતીમાં આંગળીથી લખ્યું એનું નામ છે

ભીની અજાણી ભીંત પરની લીલમાં હજી
ગઇ કાલે કોતર્યું હતું એ કોનું નામ છે…

મોસમ બધીય યાદની મોસમ બની ગઇ
મક્તાનો શેર શ્વાસમાં, છેલ્લી સલામ છે.

-તુષાર શુક્લ

કૈંક ડૂમાનો ભર્યો ભંડાર ખાલી થાય છે...

કૈંક ડૂમાનો ભર્યો ભંડાર ખાલી થાય છે
પત્ર છલકાતો રહે,લખનાર ખાલી થાય છે.

બાદશાહી છોડવાનો મેં કર્યો કેવળ વિચાર
વાહ વાહીથી ભર્યો દરબાર ખાલી થાય છે.

હસ્તરેખાઓ ઉઝરડાથી હવે ટેવાય ગઈ
સાવ ખાલી હાથ વારંવાર ખાલી થાય છે.

સાવ નાની વાતમાં ઘર છોડીને ચાલ્યા ન જાવ
છાતીનો અડધો અડધ વિસ્તાર ખાલી થાય છે.

આ નદીમાં એક જણ પડતું મુકી…ડૂબ્યું નહીં
બહુ ઝડપથી એટલે પગથાર ખાલી થાય છે. 
-કિરણ ચૌહાણ

'ના' પાડી...

દુઃખ એ વાત નુ નથી કે એમને 'ના' પાડી
વાત એ છે કે એમને અચકાતા અચકાતા 'ના'પાડી

નયને 'હા' પાડવા છતા
તારી નજરે 'ના' પડી

દિલે 'હા' પાડવા છતા
તારા હોઠે મને 'ના' પાડી

મારા પ્રત્યે ના વિસ્વાસે 'હા' પાડી છતા
ઈચ્છાઓ ઘણી હોવા છતા તારા મનના ડરે મને 'ના' પાડી

લખવા માગુ છુ ઘણુ બધુ પણ
આ 'પેને' મને 'ના' પાડી

'ના' ભલે પાડી પરંતુ મને
લાગે છે કે 'ના' છુટકે 'ના' પાડી

-અજ્ઞાત

ત્યજી દે...

ચરણને કહે ચાલવાનું ત્યજી દે.
બધાની ગલીમાં જવાનું ત્યજી દે.

રમત છે બધી શ્વાસની આવજાની,
સ્મશાનો હવે બાળવાનું ત્યજી દે.

નદી પણ ગણે છે હિસાબો હવેથી,
બધાને બધું આપવાનું ત્યજી દે.

તને હું મળું પન શરત એટલી કે
સમય બાબતે સોચવાનું ત્યજી દે.

હજી યાદ આવે ,નયન બંને ભીંજે,
હ્રદયમાં મને ધારવાનું ત્યજી દે.
-મેકવાન મેબલ

બુધવાર, 15 જૂન, 2011

નથી હોતી...

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

ગુલાબી આંખની રંગીની શીશામાં નથી હોતી,
નજરમાં હોય છે મસ્તી, જે મદીરામાં નથી હોતી.

ગઝલ એવી પણ વાંચી છે, મેં દિલદા’ની આંખોમાં.
અલૌકિક રંગમય, જે કોઇ ભાષામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

-‘આસીમ’

મળ્યું...

સાવ અંગત એક સરનામું મળ્યું,
આજ વર્ષો બાદ એ પાનું મળ્યું.

મેં લખેલી ડાયરી વાંચી ફરી,
યાદની ગલીઓમાં ફરવાનું મળ્યું.

સોળમા પાને પતંગિયું સળવળ્યું,
જીવવા માટે નવું બહાનું મળ્યું.

જાણ થઈ ના કોઈને, ના આંખને,
સ્વપ્ન એ રીતે મને છાનું મળ્યું.

એક પ્યાસાને ફળી સાતે તરસ,
બારણા સામે જ મયખાનું મળ્યું.

- હરિશ્ચન્દ્ર જોશી

મંગળવાર, 14 જૂન, 2011

વાદળા ઓ ને જોતો ગયો..

વાદળા ઓ ને જોતો ગયો,
મન ને સાથે લેતો ગયો.

એક નવો જ સંબંધ બંધાયો,
એમજ બીજા માટે જીવવાં નો.

જીવન પોતાના મટે તો જીવાય,
પણ બીજા માટે નો આનંદ જ જુદો.

હૈય ને બધાને સાથે લેતા જઇએ,
દુઃખ લઇ ને સુખ આપતાં જઇએ.

જેટલાં ગાઢ એટલાં ઊંડા થતાં જાય,
જાણે નવા જ સંબંધ થયા હોય એવા.

સંબંધ સાચવાં નવાં-નવાં ખેલ થય,
સંચવાય કે નહિ એ તો પછીની વાત.

એટલે જ કહુ છું તને એ ‘દમન’,
જેટલાં છે એટલાં સાચવ તોય બસ

-સર્વદમન

સંબંધ વિશે શું કહું યાર !!!


સંબંધ વિશે શું કહું યાર !
અહીં ક્યાં બધા માટે એક
સરખું જીવાય છે…. !
કેમ જીવું અને કેમ સાંચવવા,
આમને આમ જીવન પસાર
થય જાય છે….
જેમા સાચું જીવવા નું
તો રહીં જ જાય છે….
તને કેમ સમજાવું ‘દમન’
સંબંધો એ તો ગુંથલી જેવા છે.
જેમાં ગુંથવાય જ જવું પડે ભાઇ !
ત્યારે તો મજબૂત થાય…
ગુંથાય ગયા અટલે કામ
પુરૂ પણ નથી થતું,
જતું કરવાની તૈયારી પણ
રાખવી પડે છે ભાઇ.. !
આવું ન થાય તો,
આપડાથી સારું તો પ્રાણી,
જીવે છે જે જતું કરીને જીવી તો
જાય છે….. !
-સર્વદમન

ક્યારેક અમસ્તા હું પણ થોડા આપું છુ પ્રત્યાઘાતો...

ક્યારેક અમસ્તા હું પણ થોડા આપું છુ પ્રત્યાઘાતો,
કારણ છે એનુ કે મે પણ જીરવ્યા છે કૈક આઘાતો.
આમ ભલે ને હૃદય રડે પણ હસતી રાખુ છું આંખો,
તો પણ હરદમ શબ્દે શબ્દે દર્દ રહે છે છલકાતો.
કિસ્મત ને મારે જઇ ને બે ચાર સવાલો કરવા છે,
થોડી શિકાયત કરવી છે, કંઇ કરવી પણ છે રજુઆતો.
નારાજ નથી હું દુનિયા થી એણે તો મુજ ને આપી છે,
દર્દ, નિરાશા, નિષ્ફળતા ની કેવી સુંદર સોગતો.
ઘર ના મારા આયના ને રોજ કરું છું એક સવાલ,
દોસ્ત, કહે કે ક્યાં ખોવાયો ચેહરો પેલો મલકાતો.
-અજ્ઞાત

એટલો રહેજે દૂર !!!


   સાંભળું તારો સૂર,
   સાંવરિયા, એટલો રહેજે દૂર !
ગોપી ને ગોપની વચ્ચે સજોડલે
          ભલે તું રાસ ના ખેલે.
  વનને વિજન તું મારે અંબોડલે
           ભલે કદંબ ના મેલે ;
         તારી તે મોરલીને સૂર,
સાંવરિયા, મેં તો મેલ્યું છે મારું ઉર !
સૂરની સંગાથ મારા સમણાનો સાર
   ને સઘળો સંસાર મેં તો બાંધ્યો.
એમાં તો મુજને આ જગથીયે પાર
      રે એવો કો સૂરલોક લાધ્યો ;
         હવે જાશે મથુરાપુર ?
સાંવરિયા, થાશે તું કંસથીયે ક્રૂર ?
         – નિરંજન ભગત

હું પણ બોલું તું પણ બોલ...

સાવ અજાણી ભાષા જેવું, હું પણ બોલું તું પણ બોલ,
ભેદભરમના તાણાવાણા, હું પણ ખોલું તું પણ ખોલ. 

ક્યાંય નહીં અવચેતન જેવું, વિસરાતા ચાલ્યા ઓસાણ,
ઢોલ બજે અનહદના ભીતર, હું પણ ડોલું તું પણ ડોલ.

પ્રીત પછીનો પહેલો અવસર ઘેનભરી પાંપણ પર બેઠું,
આજ સખી મોંહે ઘૂંઘટ કે પટ, હું પણ ખોલું તું પણ ખોલ.

સાવ લગોલગ ભવના માથે વણબોલ્યાનો અધમણ ભાર,
હૈયા સોતું અમૃત ગળતું, હું પણ ઘોળું તું પણ ઘોળ.

મન મરકટની ગતિ ન્યારી, વણ પ્રીછ્યું પ્રીછે કૈં વાર,
પલમેં માશા, પલમેં તોલા, હું પણ તોલું તું પણ તોલ.

શબ્દોના વૈભવની આડે, અર્થોના બોદા રણકાર,
ચેત મછંદર ગોરખ આયા, હું પણ બોલું તું પણ બોલ.

- શ્રી રશીદ મીર

અમે દીવાના બની ગયા..

કોઈની વાતો ના અમે દીવાના બની ગયા,
કોઈના પ્રેમ ના આંસૂ થી અમે ભીંજાઈ ગયા,
એમને કદર ક્યાં છે અમારી?
અમે તો બસ એમની યાદો સાથે રમતા રમી ગયા.

ચાર રૂપિયા બસનું ભાડું...

ચાર રૂપિયા બસનું ભાડું
રોજ સાલું ક્યાંથી કાઢું ?

જોઉ છું આકાશ સામે
તો તરત જુએ છે આડું

ભીંત પણ થાકી ગઇ છે
કેટલા મુક્કા પછાડું ?

ટ્રેનમાં એવો ચઢું છું
હોંઉ જાણે ધાડપાડુ

ટેરવાં બરછટ થયાં છે
કઇ રીતે સ્પર્શો ઊગાડું?

રોજ પડછાયાઓ પહેરું
રોજ પડછાયાઓ ફાડું

મારા જેવા કોઇકને હું
આયનામાંથી ભગાડું

– હિતેન આનંદપરા

સોમવાર, 13 જૂન, 2011

ઘણું મંથન કરવું છે, મનન છોડવું નથી..


ઘણું મંથન કરવું છે, મનન છોડવું નથી,
વિષ મળે યા અમૃત, મુખ મોડવું નથી .
જીવન છે કુરુક્ષેત્ર,આપણે જ કૌરવ-પાંડવ,
અધર્મથી લડીશું, હવે કુરુક્ષેત્ર છોડવું નથી.
એની નિયતી મુજબ એ ખુદ ખરી જશે
હાથે કરી મારે એકે ફૂલ તોડવું નથી.
સપનામાં બીજ હોય છે હકીકતનું ઘણીવાર,
એકેય નાજુક સ્વપ્ન હવે રોળવું નથી.
મન છે દર્પણ સમ , ઠેસ લાગતાં જ તુટે,
સંજોગોના પથ્થરથી એ દર્પણ ફોડવું નથી.
પડઘાય છે શહેરમાં કઇં કેટલા અવાજો,
કર મૌનથી સંવાદ નિમિશા ! કઇં બોલવું નથી.
-નિમિશા મિસ્ત્રી

શુક્રવાર, 10 જૂન, 2011

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કહો તો આ બધાં પ્રતિબિંબ હું હમણાં જ ભૂંસી દઉં,
અરીસો ફોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

કમળ-તંતુ સમા આ મૌનનેતું તોડ મા નાહક
ફરીથી જોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

આ સપનું તો બરફનો સ્તંભ છે,હમણાં જ ઓગળશે
હું એને ખોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

- મનોજ ખંડેરિયા

ગુરુવાર, 9 જૂન, 2011

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને...

કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !

તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !

અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !

કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !

મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !

-દિલીપ પરીખ

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી...

ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી
કે સારા હોય છે એની દશા સારી નથી હોતી

જગતમાં સર્વને કહેતા નહીં ફરો કે દુઆ કરજો
ઘણાં એવાય છે જેની દુઆ સારી નથી હોતી

ખુબી તો એ કે ડુબી જાવ તો લઇ જાય છે કાંઠે
તરો ત્યારે જ સાગરની હવા સારી નથી

કબરમાં જઇને રહેશો તો ફરિશ્તાઓ ઊભા કરશે
અહીં ‘બેફામ’ કોઇ પણ જગા સારી નથી હોતી

-‘બેફામ’

આપનું મુખ જોઇ મનમાં થાય છે..

આપનું મુખ જોઇ મનમાં થાય છે,
ચાંદ પર લોકો અમસ્તા જાય છે.

જાગવાનું મન ઘણુંયે થાય છે.
આંખ ખોલું છું તો સપનાં જાય છે.

આંસુઓમાં થઇ ગયો તરબોળ હું,
આપનું દિલ તોય ક્યાં ભીંજાય છે?

આપ શું સમજો હૃદયની વાતમાં,
આપને ક્યાં દર્દ જેવું થાય છે?

લાખ કાંટાઓ મથે સંતાડવા
તે છતાંયે ફૂલ ક્યાં સંતાય છે?

દુઃખ પડે છે તેનો ‘આદિલ’ ગમ ન કર,
ભાગ્યમાં જે હોય છે તે થાય છે.

- ‘આદિલ’ મન્સૂરી

હવે બોલવું નથી...

 આંખોથી લઈશું કામ, હવે બોલવું નથી;
રૂપાળું એક નામ, હવે બોલવું નથી.

યૌવનમાં એક રેશમી સાહસ કર્યું હતું,
કેવું મળ્યું ઇનામ, હવે બોલવું નથી.

પૂછો ના પ્રીત મોંઘી છે કે સસ્તી છે દોસ્તો,
ચૂકવી દીધાં છે દામ, હવે બોલવું નથી.

લ્યો સામે પક્ષે ‘સૈફ’ નજર નીચી થઈ ગઈ,
શબ્દો હવે હરામ, હવે બોલવું નથી.

‘સૈફ’ પાલનપુરી

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા...

છે ઘણાં એવા કે જેઓ યુગને પલટાવી ગયા
પણ બહુ ઓછા છે જેઓ પ્રેમમાં ફાવી ગયા.

દુર્દશા જેવું હતું કિંતુ સમજ નો’તી મને,
દોસ્તો આવ્યા અને આવીને સમજાવી ગયા.

હું વીતેલા દિવસો પર એક નજર કરતો હતો,
યાદ કંઈ આવ્યું નહીં – પણ આંસુઓ આવી ગયાં.

મેં લખેલો લઈ ગયા – પોતે લખેલો લઈ ગયા,
છે હજી સંબંધ કે એ પત્ર બદલાવી ગયા.

‘સૈફ’ આ તાજી કબર પર નામ તો મારું જ છે,
પણ ઉતાવળમાં આ લોકો કોને દફનાવી ગયા!

-’સૈફ’ પાલનપુરી

બુધવાર, 8 જૂન, 2011

કરી શકો છો..??

દર્દને દીલથી ક્યાં અળગું કરી શકો છો,
અશ્રુઓ માછલીનાં ક્યારે લુછી શકો છો?

જુદા કરી શકો છો કાંટાને ફૂલથી પણ,
ફોરમને ફૂલથી ક્યાં જુદી કરી શકો છો?

જુદા ભલેને પાડો વ્રુક્ષોનાં નામ અહીંયા,
છાયાનું નામકરણ ક્યારે કરી શકો છો?

લહેરાય રણમાં એવું કે હાલ પી શકો છો,
મૃગજળને જામ માંહી ક્યારે ભરી શકો છો?

જીવનની સાંજે પણ વિસ્તરી જવાનું,
પડછાયો નિજનો સાંજે મોટો કરી શકો છો?

-નરેન્દ્ર જોશી

કોઈ પણ કારણ હશે તો ચાલશે !!!

કોઈ પણ કારણ હશે તો ચાલશે !
સાવ સુક્કું રણ હસે તો ચાલશે !

આ હ્રદયના બારસાખે મૂકવા;
આંસુનું તોરણ હશે તો ચાલશે !

રંગની મારે કશી પરવા નથી;
એકલો ફાગણ હશે તો ચાલશે !

સાવ હું ભીંજઉં નહિ તો કૈં નહિ;
આંખમાં શ્રાવણ હશે તો ચાલશે !

તું યુગોની જિંદગી જીવે ભલે;
પણ ‘તરલ′ને ક્ષણ હશે તો ચાલશે !

-ભરત ભટ્ટ ‘તરલ′

બાને હું બા કહી્ શકું છું....

કારણ બાને હું બા કહી્ શકું છું.
મમ્મી બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં.
તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ
મેં મમ્મી કહીને બૂમ પાડેલી.
બા ત્યારે સહેજ હસેલી -
કારણ બા એક સાદો પોસ્ટકાર્ડ પણ માંડ માંડ લખી શકતી.
બા બેંકમાં સર્વિસ કરવા ક્યારેય ગઈ નહોતી અને
રાત્રે લાયંસ પાર્ટીમાં ગઈ હોય એવું યાદ પણ નથી.

બા નવી નવી ડિશ શીખવા ‘ cooking class’ માં ગઈ નહોતી
છતાં ઈંગ્લિશ નામ ખડ્કયા વગર એ થાળીમાં જે મૂકતી
તે બધું જ અમૃત બની જતું.
મને મારી ભાષા ગમે છે,
કારણ મને મારી બા ગમે છે.
-   વિપિન પરીખ

પહેલો પ્રેમ અધુરો રહી ગયો...

ખબર નથી એને હું શું કહી ગયો
પ્રેમ મારો આસુંની ધારમા વહી ગયો

મળવાની છેલ્લી તક પણ ગુમાવી મે..
જ્યારે એને બીજો જીવનસાથી મળી ગયો

બિલકુલ ન હતો ગમ મને હ્યદયમાં….
બધુ જ ચુપચાપ સહી ગયો..

સ્વપ્ન થકી હજી હું નિહાળી લઉ છું એને,
બાકી તો જીવતો જ સાગરમાં ડુબી ગયો,

મિત્રોના સાથમાં હસી લઉ છું જરાક હું
નહિતર માર દર્દ તો ચુપચાપ જ પી ગયો,

રડાવી જાય છે ક્યારેક એની યાદ મને…
કારણ કે મારો ‘પહેલો પ્રેમ અધુરો રહી ગયો’………

નામ મારું…..

લખી લેજો હથેળીમાં નામ મારું,
સ્નેહના દેશમાં છે ધામ મારું,
કોક દિવસ જો તરસ લાગે તમને,
તો હથેળીથી પાણી પીતાં યાદ આવશે નામ મારું…..

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે....

મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે.
ફૂલડાં ડૂબી જતાં ને પથ્થરો તરી જાય છે.

ટળવળે તરશર્યાં તારાં જે વાદળી વેરણ બને.
તે જ રણમાં ઘૂમ મુસળધાર વરસી જાય છે.

ઘર-હીણાં ઘૂમે હજારો ઠોકરાતાં ઠેર ઠેર
ને ગગન-ચુમ્બી મહાલો જનસૂનાં રહી જાય છે.

દેવડીએ દંડ પામે ચોર મૂઠી જારના:
લાખ ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે.

કામધેનુને જડે ના એક સૂકું તણખલું
ને લીલાંછમ ખેતરો સૌ આખલા ચરી જાય છે.

છે ગરીબોના કુબામાં તેલ ટીપુંય દોહ્યલું ?
ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે.

-કરસનદાસ લુહાર

હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,...

હુ ક્યા કહુ છુ આપની હા હોવી જોઇયે,
પન ના કહો છો એમા વ્યથા હોવી જોઇએ

પુરતો નથી નશીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઇએ.

એવી તો ભેદી રીતે મને માફ ના કરો,
હુ ખુદ કહી ઉઠુકે સજા હોવી જોઇએ.

મે એનો પ્રેમ ચહ્યો બહુ સાદી રીત થી,
નહોતી ખબર કે એમા કલા હોવી જોઇએ.

પ્રુથવી ની આ વિશાળતા એમજ નથી ‘મરીજ’,
એના મિલનની ક્યાક જગા હોવી જોઇએ

-મરીજ

મંગળવાર, 7 જૂન, 2011

ખોબો ભરીને અમે એટલું હસ્યાં...

ખોબો ભરીને અમે એટલું હસ્યાં
કે કૂવો ભરીને અમે રોઈ પડ્યાં.

ખટમીઠાં સપનાઓ ભૂરાં ભૂરાં
કુંવારા સોળ વરસ તૂરાં તૂરાં

અમે ધુમ્મસના દરિયામાં એવાં ડૂબ્યાં.
કે હોડી-ખડક થઈ અમને નડ્યાં.

ક્યાં છે વીંટી અને કયાં છે રૂમાલ?
ઝૂરવા કે જીવવાનો ક્યાં છે સવાલ?

કૂવો ભરીને અમે એટલું રડ્યાં
કે ખોબો ભરીને અમે મોહી પડ્યાં.

- જગદીશ જોશી

સોમવાર, 6 જૂન, 2011

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે...

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાયે છે
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઇ જાયે છે.

હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાયે છે.

સમય બદલે તો બદલે, પણ પ્રણય રંગો નહીં બદલે
હૃદય રંગાઇ જાયે છે તો બસ રંગાઇ જાયે છે.

મુસીબતના દહાડા એ કસોટીના દહાડા છે.
છે પાણી કેટલું કોના મહીં જોવાઇ જાયે છે.

જીવન સારું જીગરની આહ થી ફૂંકી દઉં ‘ઘાયલ’
કદીક મારા ઉપર મને ય એવી ખાઇ જાયે છે.

- અમૃત ઘાયલ

...તો શું જોઈતું’તું ?

વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,
પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?

જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,
એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?

ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,
ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?

આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,
વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?

-અનિલ ચાવડા

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં...

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
જાણે મૌસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ
એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં

ક્યાંક પંખી ટહુક્યું ને તમે યાદ આવ્યાં
જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ
એક તારો ટમક્યો ને તમે યાદ આવ્યાં

જરા ગાગર છલકી ને તમે યાદ આવ્યાં
જાણે કાંઠા તોડે છે કોઇ મહેરામણ હો રામ
સહેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં

કોઇ ઠાલું મલક્યું ને તમે યાદ આવ્યાં
જાણે કાનુડાના મુખમાં બ્રહ્માંડ દીઠું રામ
કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં

કોઇ આંગણે અટક્યું ને તમે યાદ આવ્યાં
જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ
એક પગલું ઉપડ્યું ને તમે યાદ આવ્યાં

–હરીન્દ્ર દવે

દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે...

દીલસા થી હવે દુઃખ દીલ ને પારાવાર લાગે છે,
હ્રદય પર હાથ રાખો મા, હ્રદય પર ભાર લાગે છે.

મને સંસાર સારો શુન્ય ભાસે છે તમારા સમ,
નવાઈ છે તમોને શુન્ય મા સંસાર લાગે છે.

તમારે કાર્ય કઈ કરવુ નથી,કરવા નથી દેવુ,
દખલગીરી તમારી મીત્રો અત્યાચાર લાગે છે.

ભયંકર મા ભયંકર રોગ લાગે પ્રેમ તો સૌને,
મને અકસીર મા અકસીર એ ઉપચાર લાગે છે.

નવાઈ છે દુઃખી મા પણ્ દુઃખી છુ તોય પણ “ઘાયલ”
મને મળનાર ને મારો સુખી સંસાર લાગે છે.

-”ઘાયલ”

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા..

દિલ મા કોઇની યાદ ના પગલાં રહી ગયા,
ઝાંકળ ઊડી ગયું અને ડાઘાં રહી ગયા.

એને મળ્યા છતાંય કોઇ વાત ના થઇ,
ગંગા સુધી ગયા અને પ્યાસા રહી ગયા.

ફૂલો લઇને બાગથી હું નીકળી ગયો,
ને પાનખરના હાથમાં કાંટા રહી ગયા.

વરસ્યા વિના જંતી રહી શિર પરથી વાદળી,
‘આદિલ’ નજર ઉઠાવીને જોતા રહી ગયા.

-‘આદિલ’

શનિવાર, 4 જૂન, 2011

કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ...

અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ
ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ ?

આમ તો છે લાગણીઓનાં ગૂંચવાડા બહુ,
પણ એકમેકને તાંતણે બાંધે છે આ વરસાદ.

સ્નેહીઓનાં સ્નેહ, મિત્રોની મિત્રતા,
અને બાળપણનાં હૈયાં કેરો સાદ કરે છે આ વરસાદ.

શું પ્રગાઢ પ્રેમની પરાકાષ્ઠા છે આ વરસાદ ?
કે પછી વર્ષોનાં વિરહની વ્યથા ઠાલવે છે આ વરસાદ ?

કોઈ તો રોકો, કોઈ તો પૂછો,
શું કરવા માંગે છે આ વરસાદ ?

અને વાત કહું ધરાનાં ધૈર્યની ?
મને કહે છે શાનમાં, ભલે આખી રાત વરસતો વરસાદ.

અને કાલે આખી રાત વરસ્યો છે આ વરસાદ
ખબર નહીં શું કહેવા માંગે છે આ વરસાદ ?

-બિજલ ભટ્ટ

ફુલ હંમેશ બસ કચડાયા કરે છે જ્યાં…

ફુલ હંમેશ બસ કચડાયા કરે છે જ્યાં…
ને…એ…વજ્રદિલને લોક ચમન કહે છે…

હ્રદય ની આગ તો બસ બળ્યા કરે છે…
ને..એ…ધગધગતી દાહ ને લોક શમન કહે છે…

એક જ નજરે સો -સો ઘાયલ થાય છે…
ને..એ…તલવાર ને લોક ‘નયન’ કહે છે…

યાદોના પોટલા તો… દિલમાં.. જ.. કંડારાયા
ને..એ…દિલને સમૃતિ નુ લોક વહન કહે છે…

તેજ દેહ નું તો ક્યાંય દેખાતું નથી…!!!
ને..એ…ખાલી પુતળા ને લોક વદન કહે છે…

ખર્યા નથી કદીયે એક પણ સિતારા…. ‘અંકુર’
ને..એ…મુઠભર કુદરત ને લોક ગગન કહે છે…!!!

- હસમુખ ધરોડ ‘અંકુર’

યાદ આવી...

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?

-’મરીઝ’

સ્વયં નાવ તોફાની ક્યારે હતી...

પરખ દ્રશ્ય જોવાની ક્યારે હતી
સ્વયં નાવ તોફાની ક્યારે હતી

મને છોડી દેતા તને કષ્ટ શું
જણસ સાવ સોનાની ક્યારે હતી

નદી જેમ ઉંચેથી પટકાઉ પણ
જગા કોઇ મોભાની ક્યારે હતી

તમાશા બતાવે બધી બારીઓ
સડક એની પોતાની ક્યારે હતી

હતાં સાત પરદા થવા રૂબરુ
ગઝલ ચીજ કોઠાની ક્યારે હતી

-ચીનુ મોદી
સપનામાં તો બધા જીવે છે,
વસ્તવિકતમાં કોણ રહે છે ?

સંબંધ બાંધવા માટે વર્ષો વિતાવે,
પણ તોડતાં સમયે ક્યાં વિચારે છે!

બધાનો પ્રેમ તો બધા ચાહે છે,
પણ આપવામાં કોણ માને છે !

વાયદા કરવામાં તો બધા માહિર છે,
નિભાવવા માટે કોણ તૈયાર થાય છે !

વાતો થશે જીવવાની અને રીતોની,
પણ ખરેખર અહીં કોણ આવું જીવે છે!

આતો દેખાડાની દુનિયા છે,
સાચા પ્રેમની કોને જરૂર છે !

હું તો બધા માટે જીવાનો પ્રયત્ન કરું છું,
અહીં આવા મણસોની ક્યાંય જરૂર નથી !

-સર્વદમન

હવે લખવી છે ગઝલ સાંજ પહેલા..

હવે લખવી છે ગઝલ સાંજ પહેલા,
અહિંયા કાલમાં ક્યાં કોઇ માને છે!

જીવન છે એક મોટી મુસીબત,
મુસીબત આવ્યા પહેલા ક્યાં કોઇ માને છે!

મીઠા લાગે છે દુઃખો પ્રેમમાં મળેલા,
એ પ્રેમ કર્યા પહેલા ક્યાં કોઇ માને છે !

દુઃખો હોય છે ઘણા લગ્ન પછી પણ,
અહિંયા લગ્ન પહેલા ક્યાં કોઇ માને છે !

જે મજા કરવી હોય તે કરી લો મોત પહેલા,
આ ‘કપિલ’ પુનઃજન્મમાં ક્યાં માને છે !

-કપિલ દવે

રોજ રાતે મારા શમણા સજાવતી...

રોજ રાતે મારા શમણા સજાવતી,
જેવી આંખ ખોલુ કે ખોવાય જાય,

કોણ છે,ને ક્યાંથી આવે શું ખબર,
પણ આવી ને મારુ દલડુ ડોલાવતી,

લાગે છે એ કોઈ નમણી નાર,
પણ રમે સંતાકુકડી મારી સાથ,

પકડવા માટે મથુ છુ હું એને,
પણ જાણે એ મૃગજળ જોને,

મને તો લાગે છે એ આત્મા,
પણ શું કામ ફરતી હશે રાતમાં,

હવે યાદ આવ્યુ આ ‘કપિલ’ ને
એ તો મારા પુર્વજન્મની પ્રિયતમાં….

-કપિલ દવે

વરસાદ છે...


ચાલ ને હવે પલળીયે વરસાદ છે
ચાલ ને હવે દલડા દઈયે વરસાદ છે

માટીની મીઠી ખુશ્બુ આવે વરસાદ છે
ધરતી એ લીલી ચાદર ઓઢી વરસાદ છે

નદીઓ માં આવ્યા પૂર વરસાદ છે
ચાલ ને તો હવે કરીયે મજા વરસાદ છે

ચાલ ને પ્રેમમાં પલળીયે વરસાદ છે
તું મારા પર વરસાવ પ્રેમ વરસાદ છે

હવે એક મેકના થઈયે વરસાદ છે
વાદળોની ગર્જના આપે સાથ વરસાદ છે

તું દિલ પર વીજળી ન પાડ વરસાદ છે
હવે ‘કપિલ’નાં વરસતા પ્રેમને કબુલ કર વરસાદ છે

-કપિલ દવે

દુનિયામાં મને કોઇ શું કરી લેવાનુ

દુનિયામાં મને કોઇ શું કરી લેવાનુ,
જ્યારે સારા દોસ્તો નો સંગાથ હોય

દર્દ અને દુઃખથી મને ફરક શું પડે,
જ્યારે દોસ્તોની હજારો ખુશીનો સાથ હોય

કોઈની નફરત થી મને ફરક શું પડે,
જયારે હજારો દિવાના મારી પાસ હોય

હવે દારુનો નશો મને શું ચડવાનો,
જ્યારે દોસ્તીનો નશો રગે રગમાં હોય

કેવી રીતે મારશે ભગવાન આ ‘કપિલ’ને
જેને દોસ્તોનો પ્રેમ સદા જીવંત રાખે છે

-કપિલ દવે

કારણ મળ્યુ છે..

હવે આંખોને ઉજાગરાનુ કારણ મળ્યુ છે,
ને સ્વપ્નોને રોકાવાનુ કારણ મળ્યુ છે.

અરીસામા જોવાનુ કારણ મળ્યુ છે,
ને હોઠોને સ્મિતનુ કારણ મળ્યુ છે.

કળીને ખીલવાનુ કારણ મળ્યુ છે,
ને ભ્રમરને મંડરાવવાનુ કારણ મળ્યુ છે.

મને પ્રેમ કરવાનુ કારણ મળ્યુ છે,
ને જમાનાને વગોવવાનુ કારણ મળ્યુ છે.

— શૈલ્ય.

કોઈની સાથે દોસ્તી કરો તો...

કોઈની સાથે દોસ્તી કરો તો,
નિભાવવાની તાકાત રાખો;

કોઈની સાથે દુશ્મની કરો તો,
લડવાની તાકાત રાખો;

કોઈની સાથે શરત લગાવો તો,
જીતવાની તાકાત રાખો;

કોઈની મજાક ઉડાવો તો,
સહન કરવાની તાકાત રાખો;

કોઈનુ અપમાન કરો તો,
માફિ માંગવાની તાકાત રાખો;

કોઈની સાથે પ્રેમ કરો તો ‘કપિલ’,
સામાજિક બંધનો તોડવાની તાકાત રાખો.

-કપિલ દવે

શુક્રવાર, 3 જૂન, 2011

મડી જશે...

ખબર ન હતી કે જીન્દગી ને રન્ગત મડી જશે.....!!

તમાર જેવા મિત્રો ની સુવાળી સન્ગત મડી જશે.....!!

હતુ એમ કે વાતો કરી બે ઘડી મન ને શાન્તી મડી જશે.....!!

એ ક્યા ખબર હતી કે ગુજરાત આખા ની ખુશ્બુ અહિ મડી જશે....!!

-મિત્ર ની ડાયરી

હું પડી એકલી

હોય સાથે છતાં હું પડી એકલી
ભાર ઊંચકી સહુનો રડી એકલી

રોઈ, મૂંઝાઈ તોફાનને સન્મુખે,
હિમના એ પહાડો ચઢી એકલી

કંટકો તોડવાની સજા પામીને
આજ ગુલાબ સાથે લડી એકલી

ક્ષારણો લાગવાના હવે સાંધમાં,
સ્નેહના ઝારણે તો અડી એકલી

– સુનીલ શાહ

ડર રાખો..

લાગણીઓ ને આમ રેઢી કેમ રાખો ,
થોડો ઠોકર નો તો ડર રાખો .

સ્મિત ને આટલું ખુલ્લુ કેમ રાખો ,
થોડો ચોરાવાનો તો ડર રાખો .

નયનને આમ ક્યા ઢાળો ,
કોક નો ઘાયલ થવાનો તો ડર રાખો.

કેશ ને આમ ક્યાં વિખેરો ,
મેઘ ના શરમાવવાનો તો ડર રાખો.

અંગડાઈ ને આમ કયાં આવકારો ?
લતાનો કરમાવવાનો તો ડર રાખો.

પાયલને આમ ક્યાં ખનકાવો ?
જલતરંગ ને હરાવવાનો તો ડર રાખો

આટલું અલ્હડ ક્યાં ચાલો ,
ઝરણાં નો સ્થિર થવાનો તો ડર રાખો.

આટલું સુરીલુ ક્યાં બોલો ,
કોયલ નો મૌન થવાનો તો ડર રાખો.

મને આટલો પ્રેમ ક્યાં કરો,
મારો પાગલ થવાનો તો ડર રાખો.

– શૈલ્ય

ખારો છું છતાં મુજને મળવા આવવું પડશે

ખારો છું છતાં મુજને મળવા આવવું પડશે,
મીઠા તુજ જળને ભળવા આવવું પડશે.

પીડા આ વધીને થાય હજુ બમણી એવું,
ઔષધ આ જખમ પર લગાવવું પડશે.

અળવીતરું મન હઠ લઇ બેઠું છે આપનું,
સપનામાં બે ઘડી તમારે આજ આવવું પડશે.

વધારવી હોય શાખ જો આ મયકદાની,
જાતને જામ સાથે આજ બહેકાવવી પડશે.

શાશ્વત શાંતિ કેવળ મઝાર જ આપી શકે,
રઝળીને થાકેલા જીવને એ સમજાવવું પડશે.

કેમ ન હોય ચહેરા પર રોનક અનેરી, દોસ્ત?
આવી ચડે મૃત્યુ તો હસતા મોંએ વધાવવું પડશે.

- ભરત ભટ્ટી

આદત પઙી ગઇ છે

એક શમણુ આખમા છુપાવવા ચાહયુ હતુ,
પણ એમને કસમયે ઉઠાઙવાની આદત પઙી ગઇ છે.

એક પગલુ પાઙી ચિલો ચાતરવા ચાહ્યો હતો,
પણ એમને રાહમા કંટકો વિખેરવાની આદત પઙી ગઇ છે.

એક ગુલાબ મારી વેણીમા નાખવા ચાહ્યુ હતુ,
પણ એમને અંબોઙો છોઙવાની આદત પઙી ગઇ છે.

એક શ્વાસ ખુલ્લી હવામા લેવા ચાહ્યો હતો,
પણ એમને બાધી રાખવાની આદત પઙી ગઇ છે.

એક સમયે ‘પરવાના’ને છોઙી દેવાને ચાહ્યો હતો,
પણ હવે એમને ‘શમા’ મા જલવાની આદત પઙી ગઇ છે.

–દિપ્તી પટેલ “શમા”

અહેસાસ

આજે કૈક ખોવાનો અહેસાસ થાય છે મને,
એક ધબકાર ચુક્યા નો અહેસાસ થાય છે મને,

આંસુ શું છે એની મને ખબર ન હતી,
પણ આંખ ના ખુણે ભીનાશ નો અહેસાસ થાય છે મને….!!!!


-ધ્વનિ જોશી.

વિરહની વેદના...

કોણ કહે છે કે હું વિરહની વેદનામા સળગુ છું ?
આતો અમસ્તો જ જરા શરીર તાપુ છું.

કોણ કહે છે કે હું પ્રેમનો તરસ્યો છું ?
આતો અમસ્તો જ મૃગજળ પી રહ્યો છું.

કોણ કહે છે કે હું વસંતની રાહ જોવું છું ?
આતો અમસ્તો જ પર્ણૉ તોડી પાનખર લાવી રહ્યો છું.

કોણ કહે છે કે મને આપના આગમનની આતુરતા છે ?
આતો અમસ્તો જ મેઘધનુષ્યથી આંગણ સજાવી રહ્યો છું.

કોણ કહે છે કે હું મિલનની ઘડીઓ ગણી રહ્યો છું ?
આતો અમસ્તો જ આકાશના તારલા ગણી રહ્યો છું .

કોણ કહે છે કે મને જીંદગી સાથે પ્રેમ નથી ?
આતો અમસ્તો જ મોત સાથે સંતાકુકડી રમી રહ્યો છું .

– શૈલ્ય

કેમ રોકશો !!

મારા સ્પર્શ ને રોકશો તમે ,
તમને સ્પર્શી મને અનુભવાતી હવાને કેમ રોકશો !!

તમને જોતા રોકશો મને ,
તમારી તસવીર ને નયનમાં ઉભરતી કેમ રોકશો !!

મદીરાલયમાં જતા રોકશો મને ,
તમારા નયનના જામ પીતા કેમ રોકશો મને !!

તમારા ડગ જોડે ડગ માંડતા રોકશો મને ,
તમારા પગલા પર ચાલતા કેમ રોકશો મને !!

તમારા જીવનમાં પ્રવેશતો રોકશો મને ,
તમારી યાદમાં જીવન વીતાવતો કેમ રોકશો મને !!

— શૈલ્ય

કતારો અશ્રુની પચાવી ગયો છું

કતારો અશ્રુની પચાવી ગયો છું
છતાં જિંદગીને હસાવી ગયો છું


તમોને હવે તો ક્યાં ફરિયાદ કરવી
હતાશા પળોની હટાવી ગયો છું

લખાયાં અમારાં નસીબો બધાંયે
પછી પણ ઘસીને મિટાવી ગયો છું

ઘણી લાગણીઓ વરસતી રહીછે,
બધાંયે ગમો ગટ ગટાવી ગયો છું

ઉઘાડી કબર?ને સમયને સહારે
હજારો વરસથી ઘસાઈ ગયો છું.

-સુનીલ શાહ

કોશિશ તો કરો...

ચાંદને તો દરેક લોકો ચાહે છે,
ક્યારેક સૂરજને ચાહવાની કોશિશ તો કરો;


સુખ તો દરેક લોકો માંગે છે,
ક્યારેક દુઃખ માંગવાની કોશિશ તો કરો;

પ્રેમ તો દરેક લોકો કરે છે,
ક્યારેક નફરત કરવાની કોશિશ તો કરો;

વચન તો દરેક લોકો આપે છે,
ક્યારેક નિભાવાની કોશિશ તો કરો;

વિદેશ ગમનની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક પોતાના દેશને ઓળખવાની કોશિશ તો કરો;

હવામાં ઉડવાની દરેક લોકોની ઇચ્છા હોય છે,
ક્યારેક આ ધરતી પર પગ જમાવવાની કોશિશ તો કરો .

જિંદગીને તો દરેક લોકો ચાહતા હોય છે,
ક્યારેક મૌતની પાસે જવાની કોશિશ તો કરો;

‘કપિલ’ પોતાના માટે તો દરેક લોકો જીવતા હોય છે,
ક્યારેક બીજાના માટે જીવવાની કોશિશ તો કરો.

-કપિલ દવે

વિરહ....

મેઘ નુ ગરજવું આજે ગમગીન લાગે છે.
વર્ષાનુ વરસવુ આજે વસમુ લાગે છે.


માટીની મહેક આજે મનને મુરઝાવે છે,
મેઘધનુષ ના રંગ આજે અગનજ્વાળ ભાસે છે.

મોરલાનો ટહુકો આજે ચિત્કાર લાગે છે,
ખીલેલી સંધ્યા આજે ઉદાસ લાગે છે.

ખળખળ વહેતા ઝરણાં આજે ખાલી લાગે છે,
નદીનો પ્રવાહ આજે લાગણીઓ ને તાણે છે.

શું વિરહ એટલો વસમો હોય છે !!!
કે ધોધની માફક વહેતુ જીવન..
સ્થિર મૃત્યુ સમ ભાસે છે !!!!

— શૈલ્ય

મને મંજિલ મળી જાય

મને મંજિલ મળી જાય
તું કદમ થી કદમ મિલાવે તો


મારી ધડકન બની જાય
તું શ્વાસ થી શ્વાસ મહેકાવે તો

મને પ્રેમ થઈ જાય
તું દિલ થી દિલ મિલાવે તો

કંઈક વાત બની જાય
તું નજરો થી નજર મિલાવે તો

મારી જિંદગી સફળ બની જાય
તું પ્રેમ થી સ્મિત રેલાવે તો

‘કપિલ’ની કવિતા અમૃત બની જાય
તું શબ્દોનો સાથ પુરાવે તો

-કપિલ દવે

તો હું શું કરું ?

હું તો છું લીંબડાનું પાન
તમે નાગરવેલનું સમજો
તો હું શું કરું ?

હું તો છું આંબલીનુ પાન
તમે તુલસીનું સમજો
તો હું શું કરું ?

હું તો છું ખાજવણીનું પાન
તમે મહેંદીનું સમજો
તો હું શું કરું ?

‘કપિલ’તો છે સૂકાયેલું પાન
તમે એને લીલું સમજો
તો હું શું કરું ?


-કપિલ દવે

શકય હો તો, કર કદી આવી કમાલ

શકય હો તો, કર કદી આવી કમાલ
રાખ કોરા પગ અને પાણીમાં ચાલ


એમના ઉત્તરની માણું છું મજા
કયાં હવે છે યાદ પણ મારો સવાલ

હા, વસી છે એમાં ખુશબૂ કોઇની
ના અમસ્તી સાચવી છે મેં ટપાલ

ખ્યાલની ખોટી બધી બાંહેધરી
કોઇ ના રાખે છે કોઇનો ખયાલ

આમ તો દરવાજા ઊઘડશે નહીં
તારે શાયદ તોડવી પડશે દીવાલ

કોડિયુંયે જેમના ઘરમાં નથી
હોલવી નાખી છે એ લોકે મશાલ

ચાલ ‘દિપક’, એમની શેરી મહીં
આજ નાખી આવીએ થોડો ગુલાલ

- દિપક બારડોલીકર

ગુરુવાર, 2 જૂન, 2011

પણ એવું ……. ક્યાં મળે?

આ ઘર,આ ઑફિસ,આ ગાડી, ક્યારેક તો કંઈક બદલાવ મળે.
મારે તો જવું હતું ચાંદની પેલે પાર, પણ એવું વિમાન ક્યાં મળે?

આ કોયલ,આ બગીચો,આ વાડી,ક્યારેક તો નવું મધુવન મળે,
મારે તો માણવી હતી સુગંધ આરપાર, પણ એવું સુમન ક્યાં મળે?

આ ઉલફત,આ નફરત,કાયમ મને નડી, ક્યારેક તો કંઈક સદભાવ મળે,
તેને બધું સોંપીને થઈ જઉં નિર્વિકાર, પણ એવો ‘ભગવાન’ ક્યાં મળે?

આ રાહ,આ દિશા,આ મંજિલે કાયમ જતી,ક્યારેક તો નવો કાફલો મળે,
મારે તો ઉડવું છે-આકાશ છે પારાવાર, પણ એવી પાંખ ક્યાં મળે?

લોલુપ નજરે જોતી,સૌંદર્યને અવગણતી, ક્યારેક તો જુદો ભાવ મળે,
વસી જવા ચાહું શમણું બની અંદર, પણ એવાં નયન ક્યાં મળે?

આ છળ,આ માયા,આ ઈર્ષા જીવને જડી, ક્યારેક તો કંઈક અલગાવ મળે,
કરું અર્પણ મન;કરું પૂજા જીવનભર, પણ એવો ઈન્સાન ક્યાં મળે?

આ મન,આ હૈયું,આ જ દિલ,ક્યારેક તો મને જ મારું જીવન મળે,
કદાચ કરી દેતી તારે નામ ‘શમા’, પણ એવી ધડકન ક્યાં મળે?

દીપ્તિ પટેલ ‘શમા’,

હ્રદય મારું બન્યું વધુ ધરખમ

હ્રદય મારું બન્યું વધુ ધરખમ;
એમાં વધ્યો છે હવે એનો ગમ.

જેને આપ્યું હૈયું હસતા હસતા
એ હમદર્દ જ ન બન્યા હમદમ.

ઘા હોય તો બતાવી કરું હું દવા;
મને તો મળ્યા છે ગુપ્ત જખમ.

દોસ્તો ય કેવા કેવા મળ્યા રાખે?
મગરના આંસુમાં ઓગાળે મરહમ.

વાસંતી વાયરા વાયા છે એવા;
લાગે છે અજનબી આખો આલમ.

તોફાની ભવસાગર, ડોલતી નૈયા;
અને અધસફરે જ રિસાયો માલમ.

નટવર કોઈ કોઈનું અહિં કોઈ નથી;
કોણ સનમ,કોણ સાજન,કોણ બાલમ?

- નટવર મહેતા

કરી લઉ છું

લખતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ વિચારોને ઘણીવાર કાગળ પર ઉતારી લઉ છું

વાંચતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ બીજાના મન ને જાણવાની કોશીશ કરી લઉ છું

જોતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ પોતાના કર્મોની ઝલક અચુક લઇ લઉ છું

ચાલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ રણમાં પાણીના આભાસથી દોટ મૂકી દઉ છું

બોલતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ અપશબ્દ નીકળ્યા પહેલા જીભને સંભાળી લઉ છું

સાંભળતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ મળેલી સાચી સલાહ જીવનમાં આવરી લઉ છું

રમતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ જીવનની રમતોમાં કોઇક રમત જીતી લઉ છું

વ્યક્ત કરતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ આ સંસારમાં મારો લખાયેલો ભાગ ભજવી લઉ છું

જીવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ ક્ષણ ક્ષણ માંથી નાની મોટી ખુશીઓ શોધી લઉ છું

અનુભવતા આવડે છે કે નહી, એ ખબર નથી!
પણ કુદરતના હિસ્સા તરીકે પોતાની તરફ ઇશારો કરી લઉ છું .
 
....("પ્રતિક ઝોરા")

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો
ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ
દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો

ક્યાં એ અવાજ સાંભળી પડઘાય છે જરા
માણસ ખુદાથી પણ વધુ બહેરો છે દોસ્તો

એકાંત છેક તળિયે મળે તો મળી શકે
ડૂબી જવાય એટલી લહેરો છે દોસ્તો

-નયન દેસાઈ

ચીસ પડાઇ જાય છે

આ સમય તો પાણીની જેમ વહેતો જ જાય છે,
યાદોના ખાડા પણ ઊંડા ખોદાતા જ જાય છે,

બહુ મથામણ કરું છું એ ખાડાની બહાર નીકળવાની,
પણ ઉપરથી પછડાઇને દિલ બહુ ઘવાય જાય છે

ના દવા કામ કરે છે ના દુવા કબૂલ થાય છે
છતાં આ અસહ્ય વેદના કોણ જાણે કેમ સહેવાય જાય છે,

કોઇ વાર પડે છે સંજોગોના ઘાવ કંઇક એ રીતે,
કે આ ખામોશ દિલથી એકાએક ચીસ પડાઇ જાય છે…

હેમાંગિની ચૌધરી

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં

એ રીતે છવાઈ ગયા છે ખયાલમાં,
આવેશને ગણી મેં લીધો છે વહાલમાં.0

તારા વચનનો કેટલો આભાર માનીએ,
વરસો કઠણ હતાં તે ગયાં આજકાલમાં.

સારું છે એની સાથે કશી ગુફ્તગુ નથી,
નિહતર હું કંઈક ભૂલ કરત બોલચાલમાં.

કરતો હતો જે પહેલાં તે પ્રસ્તાવના ગઈ,
લઈ લઉં છું એનું નામ હવે બોલચાલમાં.

લય પણ જરૂર હોય છે, મારી ગિતની સાથ,
હું છું ધ્વિનસમાન જમાનાની ચાલમાં.

મુજ પર િસતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલમાં.

એ ના કહીને સહેજમાં છૂટી ગયા ‘મરીઝ’,
કરવી ન જોઈતી’તી ઉતાવળ સવાલમાં.

-‘મરીઝ’

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી

તકદીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.

કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
કુરાનમાં તો ક્યાંય પયગંબરની સહી નથી.

ડૂબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિતને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.

મૃત્યુની ઠેસ વાગશે તો શું થશે ‘જલન’,
જીવનની ઠેસની હજુ કળ વળી નથી.

- જલન માતરી

બની જશે .

જ્યારે કલા, કલા નહીં, જીવન બની જશે,
મારું કવન જગતનું નિવેદન બની જશે .

શબ્દોથી પર જો દિલનું નિવેદન બની જશે,
તું પોતે તારા દર્દનું વર્ણન બની જશે .

જે કંઈ હું મેળવીશ હમેશા નહીં રહે ,
જે કંઈ તું આપશે તે સનાતન બની જશે.

મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
ન્હોતી ખબર કે દર્દનું વાચન બની જશે.

તારો સમય કે નામ છે જેનું ફકત સમય,
એને જો હું વિતાવું તો જીવન બની જશે .

તારું છે એવું કોણ કે માગે સ્વતંત્રતા !
મારું છે એવુ કોણ જે બંધન બની જશે ?

આંખો મીંચીને ચાલશું અંધકારમાં ‘મરીઝ’
શંકા વધી જશે તો સમર્થન બની જશે

- ‘મરીઝ’

એની કોઈ સજા નહીં…

કરું હું એક ખતા ને બની જાય એ ગુનો,
અને એ દિલ તોડ્યા કરે એની કોઈ સજા નહીં…

દિવસ પસાર થાય, ક્યાંક જીવું ને ક્યાંક મરું,
અને એ હાલત ને લાચારી સમજે એની કોઈ સજા નહીં…

જુદાઈના ગમમાં રહું ને ઉમ્મીદ હું રાખ્યા કરું,
અને એ ઉમ્મીદ પર ખરા ના ઉતરે એની કોઈ સજા નહીં…

એક મુલાકાત હું ચાહું ને એ સમય રોકી રાખું
અને એ સમયને જ બહાના બતાવે એની કોઈ સજા નહીં…

કેટલી રાતો જાગું ને એ ચાહત બયાન કરું,
અને એ લાગણીઓને ગઝલ સમજે એની કોઈ સજા નહીં…

મંદાકિની ડાંગી

માણી લઈએ.

નામના કાજે તો સૌ કોઈ જીવે છે,
ચાલ નામશેષ થઈ જીવી લઈએ,

દુઃખે પ્રભુ પ્રાર્થના તો સૌ કોઈ કરે,
ચાલ સુખે પ્રભુ થોડાં ભજી લઈએ.

સુંદરતાની ખેવના તો સૌ કોઈ કરે,
ચાલ અરુપતાને આજે વાંછી લઈએ.

અમ્રુત-ઇરછા મંથને સૌ કોઈ કરે,
ચાલ વિષની કડવાશ સહી લઈએ.

શબ્દોથી ગઝલ તો સૌ કોઈ માણે,
ચાલ નીરવ ગઝલ માણી લઈએ.

સ્નેહા…

હું પડકાર ઝીલનારો માણસ છું

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.

ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે

ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં

હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

-નરેન્દ્ર મોદી